જીએસટી કાઉન્સિલની રવિવારે મળેલી ૧૬મી બેઠકમાં ૬૬ પ્રોડક્ટના દરમાં ઘટાડો કરાયો છે. બેઠકના અંતે નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ઉદ્યોગજગત તરફથી જે 133 જેટલી પ્રોડક્ટના દરની સમીક્ષા માટે રજૂઆતો મળી હતી તે પૈકી 66 પ્રોડક્ટના કિસ્સામાં ટેક્સદરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ઇન્સ્યુલિનના દર ૧૨ ટકાથી ઘટાડીને પાંચ ટકા કરવામાં આવ્યા છે, તે જ પ્રમાણે ટોમેટો કેચઅપ, પેકેજ્ડ ફૂડ અને મસાલા સહિતની ફૂડ પ્રોડક્ટ પરના દરમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેતાં જીએસટી કમ્પોઝિશન સ્કીમ માટે વાર્ષિક ટર્નઓવરની મર્યાદા ૭૫ લાખ રૂપિયા કરવામાં આવી છે અર્થાત્ ૭૫ લાખ સુધીનું વાર્ષિક ટર્નઓવર ધરાવનારા વેપારીઓ કમ્પોઝિટ ટેક્સનો વિકલ્પ સ્વીકારી શકશે. અગાઉ આ માટે ટર્નઓવરની મર્યાદા 50 લાખ રૂપિયા સુધીની નક્કી કરવામાં આવી હતી. ત્રણ પ્રકારના વેપારીને તેથી લાભ થવાનો છે. ટ્રેડર પર એક ટકા કમ્પોઝિટ ટેક્સ, ઉત્પાદક પર બે ટકા તો હોટેલસંચાલકો પાંચ ટકા કમ્પોઝિટ ટેક્સ ભરીને જીએસટી કાયદાની મર્યાદાથી બહાર રહી શકે છે. જીએસટી કાઉન્સિલની હવે પછીની બેઠક ૧૮ જૂનના રોજ મળશે. તે બેઠકમાં લોટરી ટિકિટ, સેનેટરી નેપકિન, ઈ-વે બિલ્સ સહિતના મુદ્દે ટેક્સદર અંગે નિર્ણય લેવામાં આવશે.

રૂપિયા 100થી વધુની ટિકિટ પર 28 ટકા પરંતુ રૂપિયા 100 સુધીની ટિકિટ પર 18 ટકા વેરો લાગશે
નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે ટિકિટના દરના આધારે મૂવી ટિકિટ પર બે અલગ-અલગ દર લાગુ પડશે. અગાઉ ૨૮ ટકા ટેક્સનો નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ પ્રાદેશિક ફિલ્મઉદ્યોગે કરેલી રજૂઆત પછી બેઠકમાં નક્કી થયું હતું કે રૂપિયા 100થી વધુની ટિકિટ પર 28 ટકા પરંતુ રૂપિયા 100 સુધીની ટિકિટ પર ૧૮ ટકા વેરો લાગશે. હાલમાં વિવિધ રાજ્યો 28થી 110 ટકા સુધી મનોરંજનકર વસૂલે છે. સમગ્ર દેશમાં મનોરંજનકરનો દર 30 ટકા છે. જીએસટી દર અમલી બનતાં મલ્ટિપ્લેક્સને મુકાબલે સિંગલ સ્ક્રીન પર સિનેમા જોવી સસ્તી બનશે. જીએસટી હેઠળ હવે કેન્દ્રીય રાહે કોઈ ડિસ્કાઉન્ટ નહીં મળે.

શાળાકીય સામગ્રી
સ્કૂલબેગ પરના જીએસટી દરને 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરતાં તે સસ્તી થઈ શકે છે, તે જ પ્રમાણે એક્સર્સાઇઝ બુક પરના દર 18 ટકાથી ઘટીને 12 અને કલરિંગ બુક્સના દર તો 12 ટકાથી ઘટીને શૂન્ય કરવા નિર્ણય લેવાયો હતો.

પેકેજ્ડ ફૂડ
રજૂઆતો પર વિચાર કર્યા પછી જીએસટી કાઉન્સિલની બેઠકે ચટણી, મુરબ્બા, અથાણાં, કેચઅપ, ટોપિંગ, ઇન્સ્ટન્ટ ફૂડ મિક્સ સહિતની પેકેજ્ડ ફૂડસામગ્રી પરના દર 18 ટકાથી ઘટાડીને 12 ટકા કરવા નિર્ણય લીધો હતો.

આ સેવાઓ GSTનાં કાર્યક્ષેત્રથી બાકાત રહેશે
હેલ્થકેર
હાલમાં આ સેક્ટરમાં ઉપકરણો, મશીનરી, સ્ટેન્ટ, ફાર્માસેક્ટર પર વેટ લાગે છે. હોસ્પિટલ બિલમાં કોઈ ટેક્સ નથી લાગતો, પરંતુ હવે સંપૂર્ણ હેલ્થકેર સેક્ટરને જીએસટીની મર્યાદાથી બહાર મૂકવામાં આવ્યું છે.

શિક્ષણ
આ સેક્ટરમાં આજે પણ કોઈ ટેક્સ નથી લાગતો. જોકે, આઈઆઈટી કે આઈઆઈએમ જેવા ઉચ્ચ શિક્ષણની ફી પર સર્વિસટેક્સ આપવો પડે છે. પૂરા ક્ષેત્રને જીએસટીની મર્યાદામાંથી બહાર રાખવામાં આવ્યું છે.

આ વસ્તુઓ પર ટેક્સ દરમાં ઘટાડો
વસ્તુ                                  જૂનો  દર (%)           નવો દર(%)
ઇન્સ્યુલિન                                          12                                    5
સ્કૂલબેગ                                            28                                  18
એક્સર્સાઇઝ બુક                               18                                   12
કોમ્પ્યુટર પ્રિન્ટર                               28                                  18
અગરબત્તી                                         12                                  5
કાજુ                                                     12                                   5
ડેન્ટલ વેક્સ                                      28                                  8
પ્લાસ્ટિક બીડ્સ                                28                                 18
પ્લાસ્ટિક ટર્પોલિન                            28                                 18
કલરિંગ બુક્સ                                    12                                  0
પ્રી.કોસ્ટ કોંક્રિટ પાઇપ                     28                                 18
કટલરી                                               18                                  12
ટ્રેકટર ઉપકરણ                                 28                                 18

SOURCE:-http://sandesh.com/gst-council-revises-rates-for-66-items/

Advertisements